મારી કવિતા.. shama | 19 Sep 2007
પણ એવું ……. ક્યાં મળે?
આ ઘર,આ ઑફિસ,આ ગાડી, ક્યારેક તો કંઈક બદલાવ મળે.
મારે તો જવું હતું ચાંદની પેલે પાર, પણ એવું વિમાન ક્યાં મળે?
આ કોયલ,આ બગીચો,આ વાડી,ક્યારેક તો નવું મધુવન મળે,
મારે તો માણવી હતી સુગંધ આરપાર, પણ એવું સુમન ક્યાં મળે?
આ ઉલફત,આ નફરત,કાયમ મને નડી, ક્યારેક તો કોઈ જુદો ભાવ મળે,
તેને બધું સોંપીને થઈ જઉં નિર્વિકાર, પણ એવો ‘ભગવાન’ ક્યાં મળે?
આ રાહ,આ દિશા,આ મંજિલે કાયમ જતી,ક્યારેક તો નવો કાફલો મળે,
મારે તો ઉડવું છે-આકાશ છે પારાવાર, પણ એવી પાંખ ક્યાં મળે?
લોલુપ નજરે જોતી,સૌંદર્યને અવગણતી, ક્યારેક તો જુદો ભાવ મળે,
વસી જવા ચાહું શમણું બની અંદર, પણ એવાં નયન ક્યાં મળે?
આ છળ,આ માયા,આ ઈર્ષા જીવને જડી, ક્યારેક તો કંઈક સદભાવ મળે,
કરું અર્પણ મન;કરું પૂજા જીવનભર, પણ એવો ઈન્સાન ક્યાં મળે?
આ મન,આ હૈયું,આ જ દિલ,ક્યારેક તો મને મારું જ જીવન મળે,
કદાચ કરી દેતી તારે નામ ‘શમા’, પણ એવી ધડકન ક્યાં મળે?
‘શમા’, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૭
મારાં હાઈકુ shama | 11 Sep 2007
હાઈકુ - ૩
સમય સરે;
રેશમી રેતી સમો,
વેડફવો ના.
વૃંદાવન છે
દિલ મારું, તું કાનો
કામણગારો!
શબ્દપ્રવાહ-
લાગણીને કિનારે,
ધસમસતો !
રચ્યું જેને મેં
‘હાઈકુ’ કહી,મારે
હૈયે વળગ્યું !
કવિ રમતા
શબ્દોની રમતે,હું
જોઈ રહેતી!
ટવીન ટાવર્સ,
ઘૃણાસ્પદ ઘટના,
માનવતા ક્યાં?
હજારો મરે;
હું જિંદગી જીવું છું,
લાચારપણે !
દીપ્તિ પટેલ ‘શમા’, ૧૧મી સપ્ટેમ્બર , ૨૦૦૭
મારાં હાઈકુ shama | 06 Sep 2007
હાઈકુ-2
ફૂલની રક્ષા
કંટકો કરતાં, એને
બધાં વગોવે.
કેટલું મારા
મનને સમજાવું?
મારું ના થતું!
રણ શબ્દોનું
અફાટ, હું તો તેમાં
ચાલ્યા જ કરું!
બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!
ચાર અક્ષર
લખ્યા એટલે હાઈકુ?
શું તમે પણ?
માદક પ્રેમ,
એથી માદક પ્રેમી,
એથી વધું શું?
મારાં તહેવારો shama | 05 Sep 2007
કાન્હા - તારી લીલા
કાન્હા - તારી લીલાનો ક્યાં કોઈ પાર છે?
ને આમ જોઈયે તો તારું ક્યાં કંઈ ખાનગી છે?
જગ-જાહેર તો છે; તારી લીલા -
શરુ થઈ કંસના કાળા કારાવાસમાં
કે વસી વાસુદેવ-દેવકીના શ્વાસમાં.
તને છોડતાં તેમણે છોડેલાં નિશ્વાસમાં
કે તને પામનારાં જશોદા-નંદનાં આનંદમાં.
ખળ ખળ વહેતી કાળી કાલિંદીના વહેણમાં
કે તેં ચોરી-ચોરી ચોરેલાં યશોદાના માખણમાં.
તારી દિવાની;ભાન-ભૂલેલી ગોપીઓનાં મટકાંમાં
કે તારાં નામની સહિયારી;બાવરી રાધાના લટકાંમાં.
તારાં ગોપીઓનાં વસ્ત્રાહરણની સાક્ષી પૂરતાં કદંબનાં એક-એક પર્ણમાં
કે દ્રૌપદીનાં તેં પૂરેલાં ચીરની સાક્ષી પૂરતાં ઈતિહાસનાં એક-એક પન્નામાં.
માથે મોર-પિંચ્છ ને ઘેલી કરતી વાંસળી નાં સૂરમાં
કે તારાં રુપ જેવાં રુપાળાં નેણેથી નીતરતાં નેહનાં પૂરમાં.
કાલિંદીમાં દેકારો મચાવનારાં કાળી-નાગનાં દમનમાં
કે તારી પટરાણી, મદમાતી રુકમણીનાં દામનમાં.
કદંબનાં એક-એક પર્ણમાં અને વૃંદાવનનાં કણે-કણમાં,
કે તારી વ્હાલી,તારી ચહૈતી,તેં ચરાવેલી ઘેનુનાં ઘણમાં.
‘કુરુક્ષેત્ર’માં અર્જુનને દીધેલાં ‘ગીતા-બોધ’નાં અઢાર અધ્યાયમાં,
કે તેં કૌરવોને પછાડવાં રચેલાં ભૂલ-ભૂલામણાં ચક્ર-વ્યુહની કોઠા-સૂઝમાં.
યાદવોને મળેલો શ્રાપ અને રચાઈ યાદવા-સ્થળી -
ક્યાં તારું પીપળનાં વ્રૂક્ષને અઢેલીને સૂઈ જવું,
અને ક્યાં એક ભવ્ય ‘કૃષ્ણ યુગ’ નો અંત આવવો?
પણ ખરે - તારું વચન યાદ આવ્યું,
જ્યારે જ્યારે ભારતમાં - જગતમાં ધર્મનો નાશ થાય છે,
સત્ય અને ધર્મની રક્ષા કાજે તારો ફરી અવતાર થાય છે!
દીપ્તિ પટેલ ‘શમા’ , ૫ સપ્ટેમ્બર ૨૦૦૭, ‘જન્માષ્ટમીનું પારણું’