Posts or Comments 16 March 2010

મારાં તહેવારો shama | 05 Sep 2007 07:30 pm

કાન્હા – તારી લીલા

કાન્હા – તારી લીલાનો ક્યાં કોઈ પાર છે?
ને આમ જોઈયે તો તારું ક્યાં કંઈ ખાનગી છે?

જગ-જાહેર તો છે; તારી લીલા -

શરુ થઈ કંસના કાળા કારાવાસમાં
કે વસી વાસુદેવ-દેવકીના શ્વાસમાં.

તને છોડતાં તેમણે છોડેલાં નિશ્વાસમાં
કે તને પામનારાં જશોદા-નંદનાં આનંદમાં.

ખળ ખળ વહેતી કાળી કાલિંદીના વહેણમાં
કે તેં  ચોરી-ચોરી ચોરેલાં યશોદાના માખણમાં.

તારી દિવાની;ભાન-ભૂલેલી ગોપીઓનાં મટકાંમાં
કે તારાં નામની સહિયારી;બાવરી રાધાના લટકાંમાં.

તારાં ગોપીઓનાં વસ્ત્રાહરણની સાક્ષી પૂરતાં કદંબનાં એક-એક પર્ણમાં
કે દ્રૌપદીનાં તેં પૂરેલાં ચીરની સાક્ષી પૂરતાં ઈતિહાસનાં એક-એક પન્નામાં.

માથે મોર-પિંચ્છ ને ઘેલી કરતી વાંસળી નાં સૂરમાં
કે તારાં રુપ જેવાં રુપાળાં નેણેથી નીતરતાં નેહનાં પૂરમાં.

કાલિંદીમાં દેકારો મચાવનારાં કાળી-નાગનાં દમનમાં
કે તારી પટરાણી, મદમાતી  રુકમણીનાં દામનમાં.

કદંબનાં એક-એક પર્ણમાં અને વૃંદાવનનાં કણે-કણમાં,
કે તારી વ્હાલી,તારી ચહૈતી,તેં ચરાવેલી ઘેનુનાં ઘણમાં.

‘કુરુક્ષેત્ર’માં અર્જુનને દીધેલાં ‘ગીતા-બોધ’નાં અઢાર અધ્યાયમાં,
કે તેં કૌરવોને પછાડવાં રચેલાં ભૂલ-ભૂલામણાં ચક્ર-વ્યુહની કોઠા-સૂઝમાં.

યાદવોને મળેલો શ્રાપ અને રચાઈ યાદવા-સ્થળી -

ક્યાં તારું પીપળનાં વ્રૂક્ષને અઢેલીને સૂઈ જવું,
અને ક્યાં એક ભવ્ય ‘કૃષ્ણ યુગ’ નો અંત આવવો?

પણ ખરે – તારું વચન યાદ આવ્યું,

જ્યારે જ્યારે ભારતમાં – જગતમાં ધર્મનો નાશ થાય છે,
સત્ય અને ધર્મની રક્ષા કાજે તારો ફરી અવતાર થાય છે!

દીપ્તિ પટેલ ‘શમા’ , ૫ સપ્ટેમ્બર ૨૦૦૭, ‘જન્માષ્ટમીનું પારણું’

One Response to “કાન્હા – તારી લીલા”

  1. on 07 Sep 2007 at 8:52 pm 1.naman said …

    સરસ લખ્યું છે શમાજી… આખું કૃષ્ણ જીવન આવરી લીધું તમે તો…

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply