Posts or Comments 15 March 2010

Archive for "મારી કવિતા.."



મારી કવિતા.. shama | 10 Oct 2007

ઓ દરિયા…

ઓ દરિયા…

સારું હતું કે મારાં અશ્રુઓ પણ ખારાં હતાં,
નહીં તો એટલી હતી તાદાત કે -
તું પણ મીઠો થઈ જાત…ઓ દરિયા.

મને શું ખબર કે,તું જલે છે મારી પ્રીતથી,
તું મિટાવતો જશે તારી લહેરથી,
નહીં તો રેતી પર નામ ‘એ’નું લખત નહીં…ઓ દરિયા.

સારું હતું કે તને નહોતી ખબર -
પ્રીતમને પામવા દોડી જવામાં કેવી છે ધન્યતા!
નહીં તો આવતા જનમમાં -
તું પણ નદી થઈ જાત…ઓ દરિયા.

પ્રેમમાં હંમેશા છૂટ નહીં,થોડું બંધન અનિવાર્ય છે.
સારું છે તને ય ખબર છે;માન-મર્યાદા શું છે?
નહીં તો માઝા મૂકીને -
તું પણ ધરતીને ધમરોળ કરી દેત…ઓ દરિયા.

કાશ,મને ખબર હોત કે
તને પણ પ્રિય છે મિલન – વિરહ નહીં,
ક્ષિતિજ પરના ધરતી-આકાશના મિલનનો -
તને એકલા ને જ સાક્ષી બનાવત હું…ઓ દરિયા.
દીપ્તિ પટેલ ‘શમા’, ૧૦ ઓક્ટોબર ૨૦૦૭

મારી કવિતા.. shama | 19 Sep 2007

પણ એવું ……. ક્યાં મળે?

આ ઘર,આ ઑફિસ,આ ગાડી, ક્યારેક તો કંઈક બદલાવ મળે.
મારે તો જવું હતું ચાંદની પેલે પાર, પણ એવું વિમાન ક્યાં મળે?

આ કોયલ,આ બગીચો,આ વાડી,ક્યારેક તો નવું મધુવન મળે,
મારે તો માણવી હતી સુગંધ આરપાર, પણ એવું સુમન ક્યાં મળે?

આ ઉલફત,આ નફરત,કાયમ મને નડી, ક્યારેક તો કોઈ જુદો ભાવ મળે,
તેને બધું સોંપીને થઈ જઉં નિર્વિકાર, પણ એવો ‘ભગવાન’ ક્યાં મળે?

આ રાહ,આ દિશા,આ મંજિલે કાયમ જતી,ક્યારેક તો નવો કાફલો મળે,
મારે તો ઉડવું છે-આકાશ છે પારાવાર, પણ એવી પાંખ ક્યાં મળે?

લોલુપ નજરે જોતી,સૌંદર્યને અવગણતી, ક્યારેક તો જુદો ભાવ મળે,
વસી જવા ચાહું શમણું બની અંદર, પણ એવાં નયન ક્યાં મળે?

આ છળ,આ માયા,આ ઈર્ષા જીવને જડી, ક્યારેક તો કંઈક સદભાવ મળે,
કરું અર્પણ મન;કરું પૂજા જીવનભર, પણ એવો ઈન્સાન ક્યાં મળે?

આ મન,આ હૈયું,આ જ દિલ,ક્યારેક તો મને મારું જ જીવન મળે,

કદાચ કરી દેતી તારે નામ ‘શમા’, પણ એવી ધડકન ક્યાં મળે?

‘શમા’, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૭